મને બોલાવે મારુ માદરે વતન. . . .
મારું વતન નારદીપુર . . .
“जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी”
જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મભૂમિ એટલે વતન, માતૃભૂમિ, માદરેવતન, માદરેવતનના મીઠા કુવાનું પાણી પીને ઉછરેલી કેટલીય પેઢીઓ વતનને અસિમ પ્રેમ કરતી આવી છે. વતન પ્રત્યેના સાચા પ્રેમની અનુભૂતિ લાંબા સમય સુધી વતનથી દૂર જવાનું થાય ત્યારે જ સમજાય.
અને ત્યારે નાનપણમાં (બચપનમાં) ગાયેલી સાંભળેલી કવિતા જરૂર યાદ આવી જાય!
સાદ કરે છે દિલ હરે છે રે!
મને એ સાદ કરે છે રે!
ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાળે દૂરથી ડુંગર માળ,
-સાદ કરે છે…
ભણવા ટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ,
કામની વેળા રોજ બોલાવે એક એવો ઢાળ,
નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાળ,
સાદ કરે છે રે જંગલ કેડી કેમ કરવું હું વાર,
-સાદ કરે છે…
આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં,
રોજ ઇશારે એ બોલાવી આવ અલ્યા અહીંયા,
-પ્રહલાદ પારેખ…
ધરતીની ગોદમાં કાપતી થપારો ખાઈને પ્રાચીન સમયથી વસેલું નારદીપુર ગામ એ મારું માદરેવતન છે. જે હાલ ગુજરાતના પાટનગર ગાંધીનગર ના કલોલ તાલુકામાં આવેલું છે. ગામની વસ્તી આશરે 15 હજારની છે. ગામનો વિકાસ થતા અને લોકોની જરૂરિયાત તો વધતા જોઈને બજાર સાથે બીજા નાના બજાર પણ છે.
ગામમાં પ્રવેશતા જ બળીયાદેવની ભાગોળે, અંબાજી માતાની ભાગોળે, અને કસુંબાઈ માતાજીના ભાગોળે ભવ્ય પ્રવેશદ્વારો આપણું સ્વાગત કરે છે.
શિક્ષણ ક્ષેત્રમાં નારદીપુર ગામ સમગ્ર પંથકમાં પહેલેથી જ મોખરી રહેલ છે. ગામના લોકોની શિક્ષણ તરફ હંમેશા લગાવ તથા ઝૂકાવ રહે છે. તેથી જ નારદીપુર ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ગામમાં શિક્ષણના વ્યાય તથા તેના વિસ્તારમાં સતત વધારો થતો રહ્યો છે. પોતાના સંતાનોને પૂરતું અને સારું શિક્ષણ મળી રહે તે માટે ગામ લોકોએ ખાસ કરીને ઉજળીયાત કોમના લોકોએ કોઈ કચાશ રહેવા દીધી નથી. વિવિધ વિદ્યાશાળાઓ જેવી કે વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસીમા સ્નાતક તથા અનુસ્નાતક પદવી મેળવનારા ઓની સંખ્યા ગામમાં ગણનાપાત્ર રહી છે. ગામ લોકો દીકરીઓને ભણાવવામાં પણ ક્યારેય પાછળ રહ્યા નથી. ગામમાં કેવળ બહેનો માટેની અલગ શિક્ષણ સંસ્થાઓ છે જે તેનો પુરાવો છે. નારદીપુર ગામમાં હાલ જેટલી અને જેવી શિક્ષણ સંસ્થાઓ છે તેટલી અને તેવી શિક્ષણ સંસ્થાઓ સમગ્ર પંથકમાં નારદીપુરને સમક્ષ એવા બીજા કોઈ ગામમાં નથી. નારદીપુર ગામમાં વિવિધ ક્ષેત્રોમાં જે કંઈ પ્રગતિ થવા પામે છે તે શિક્ષણને આભારી છે. ગામની ઉન્નતી તથા આબાદીમાં શિક્ષણનો મહત્વનો ફાળો રહ્યો છે.
803 626 8079